દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ
વલસાડ અને નવસારીમાં જળબંબાકાર
મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
ધોધમાર વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા
સુરતમાં સગર્ભા મહિલાનું કરાયું રેસ્ક્યુ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે,24 કલાકથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે વિવિધ વિસ્તારો જળમગ્ન થતા જનજીવન પર માઠી અસર પડી હતી.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે.
સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીઓ છલકાતા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.પૂણા પાટિયાથી ડિંડોલી માર્ગ પર આવેલી સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાતા ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી એક સગર્ભા મહિલાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે. બીજી તરફ, સ્થાનિક કોર્પોરેટર પણ ટ્રેક્ટર મારફતે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.
દરમિયાન, ખાડી પૂર અને જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ફોસ્ટા દ્વારા આજે ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 61 તાલુકામાં 1 ઈંચથી વધુ, 44 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જેમાં ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં અને ઉપરવાસના સુરત, તાપી તથા ડાંગમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં 1 લાખથી વધુ લોકો પૂરથી સીધી રીતે પ્રભાવિત થયા છે.
