ખેડા જિલ્લામાંથી પસાર થતાં ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ નજીક અનિયંત્રિત કાર ગરનાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 પૈકી 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ ખેડા પ્રાંત અધિકારી, માતર મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા, અને આખરે આ ઘટનામાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2 ઇજાગ્રસ્તોને સહીસલામત બહાર કાઢી સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર તમામ લોકો અમદાવાદના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
