ભરૂચના હાંસોટ પંથકમાં પુરની પરિસ્થિતિ
આસરમા સહિતના ગામોમાં પાણી ભરાયા
કિમ નદીના પાણી ભરાય જતા વિકટ પરિસ્થિતિ
મંત્રી ઇશ્વરસિંહ પટેલે કર્યું નિરીક્ષણ
અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા
ભરૂચના હાંસોટ તાલુકાના પુર અસરગ્રસ્ત ગામોમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
ભરૂચના હાંસોટ તાલુકામાં કિમ નદીનું જળસ્તર વધતાં આસરમા- ઓભા અને પાંજરોલી અને કંટીયાળજાળ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાણી ભરાયેલા વિસ્તારોમાં જાતે ટ્રેક્ટર ચલાવી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
તેમની સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. ઉપરાંત, ગામોમાં બોટ સહિતના તમામ જરૂરી બચાવ સાધનો તૈનાત રાખવાની અને જરૂર જણાય તો NDRFની ટીમોને પણ તાત્કાલિક કામગીરીમાં જોડવાની તૈયારી રાખવા જણાવ્યું હતું.વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
