અમદાવાદમાં સતત વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બાવળા વિસ્તારમાં વરસાદી પાણી ઉતર્યા નથી. જેને લઇને ગ્રામ્ય પોલીસે સનાથલથી બગોદરા સુધીનો રોડ બંધ કર્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે 25 જુલાઈએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદની તમામ શાળા-કોલેજોમાં 25 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેર તથા જીલ્લામાં સતત વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા 15 કલાક બાદ પણ હજુ સુધી બાવળા વિસ્તારમાં વરસાદી પાણી ઉતર્યા નથી. જેને લઇને ગ્રામ્ય પોલીસે સનાથલથી બગોદરા સુધીનો રોડ બંધ કર્યો છે. બાવળામાં રેસ્ક્યૂ માટે અમદાવાદ ફાયરબ્રિગેડની 2 ગાડીઓ બોટ સાથે રવાના કરાઈ છે. તો અમદાવાદના ઘુમાના હરીઓમ વિલામાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. ઉલ્લેખનીય છે કે, 23 અને 24 જુલાઈના અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. 2 દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ 20થી વધુ ઈંચ જેટલો વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સોસાયટીઓના બેઝમેન્ટથી લઈ બંગલાઓ સુધી પાણી ભરાઈ જતા લોકો લાચાર જોવા મળ્યા હતા.
