ભાવનગરના સિદસરમાં ગેરકાયદેસર મદ્રેસા કેસમાં ભરૂચ કનેક્શનની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ભાવનગર SOG પોલીસે મૌલાનાને સાથે રાખી ભરૂચ SOG અને સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ હાથ ધરી હતી.

ભાવનગર નજીક આવેલા સિદસરના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદ્રેસા મામલે તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. 4 દિવસ અગાઉ મેગા કોમ્બિંગ દરમિયાન ઝડપાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. જોકે, તેની શંકાસ્પદ ભૂમિકાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સિદસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં. 110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન મૌલાના મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષામાં લખાયેલા અંદાજે 15 પુસ્તકો તેમજ તેના દ્વારા લખાયેલી 60 પાનાની ડાયરી સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સામગ્રીની તપાસ સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૌલાનાનું ભરૂચ સાથે કનેક્શન સામે આવતાં ભાવનગર SOG પોલીસની વિશેષ ટીમ તેને સાથે રાખીને ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ જંબુસર દારૂલ કુરાન મદ્રસા ખાતે પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભાવનગર આવતા પહેલાં મૌલાના ભરૂચમાં રહી અભ્યાસ કરતો હતો. તેના સંપર્કો અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ભરૂચ SOG અને સ્થાનિક પોલીસના સહયોગથી સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર મામલાની તપાસ વિવિધ દિશામાં આગળ વધી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.