હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં ટીંડીથી પાંગી જઈ રહેલા વાહન પર એક મોટો પથ્થર પડતાં દુર્ઘટનામાં 13 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.

મળતી માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિના આદિવાસી જિલ્લામાં ઉદયપુર-કિલ્લર રોડ (ટાંડી-સંસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ) પર કડુ નાલા નજીક એક મોટો અકસ્માત સર્જાયો. કુલ્લુથી પાંગી જઈ રહેલી ટાટા સુમો ટેક્સી પર મોટા પથ્થરો અચાનક પહાડ પરથી નીચે પડી ગયા. આ ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા.

પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે, ડ્રાઇવર સહિત લગભગ 14 લોકો સવાર હતા. એવું જાણવા મળ્યું છે કે, ઉદયપુર-કિલ્લર રસ્તો ગઈકાલે બંધ હોવાથી મુસાફરો ટીંડીમાં ફસાયા હતા. જોકે, રસ્તો ફરી ખુલ્યા બાદ વાહન પાંગી જવા રવાના થયું હતું. પરંતુ કડુ નાલા નજીક, ભારે કાટમાળ અને ખડકોના અચાનક ભૂસ્ખલનમાં ફસાઈ ગયું. ઘટના પછી તરત જ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ના કર્મચારીઓએ રાહત કામગીરી શરૂ કરી અને એક ઘાયલ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી, અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.

જોકે, ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. વહીવટી તંત્રે હજુ સુધી મૃતકોની ઓળખ અથવા અન્ય મુસાફરોની સ્થિતિ અંગે સત્તાવાર પુષ્ટિ આપી નથી. અકસ્માતના સમાચાર મળતાં, લાહૌલ પોલીસ, ટીંડી પોલીસ, ઉદયપુર વહીવટીતંત્ર, જિલ્લા નાયબ કમિશનર અને પોલીસ અધિક્ષક સહિત વિવિધ એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.