અંકલેશ્વરની વાલીયા ચોકડીથી કોસમડી સુધીનો માર્ગ ચોમાસાની સિઝનમાં વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. માર્ગની કામગીરી વચ્ચે કોઈપણ જાતના સાઈનબોર્ડ કે રિફ્લેકટર મૂકવામાં ન આવતા અકસ્માતનો ભય સેવાય રહ્યો છે
અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસમડી સુધીના માર્ગ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે. ચોમાસાની સિઝન વચ્ચે તંત્રની આ નિષ્કાળજી વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહી છે. અંકલેશ્વરના વાલિયા ચોકડીથી કોસમડી સુધીના માર્ગ પર હાલ ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ માર્ગ હવે ‘ડેથ ટ્રેપ’ એટલે કે મોતનો કૂવો બની રહ્યો છે. માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન એક તરફના રોડ પર કોઈ પણ પ્રકારના રીફલેક્ટર કે રેડિયમ પટ્ટી મુકવામાં આવ્યા નથી.હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. રાત્રિના સમયે ભારે વરસાદ અને અંધારામાં સામેથી આવતા વાહનોની લાઇટના કારણે રોડનો કયો ભાગ ચાલુ છે અને કયો ભાગ બંધ, તે સમજવું વાહનચાલકો માટે અત્યંત મુશ્કેલ બની જાય છે. કોઈ પણ જાતના ભયસૂચક બોર્ડ કે રિફલેક્ટર ન હોવાને કારણે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.વાહનચાલકો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે, તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ પર હંગામી ડીવાયડર, રેડિયમ રીફલેક્ટર અને ઠેર ઠેર ભયસૂચક બોર્ડ મુકવામાં આવે, જેથી નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચી શકે.
