દેશમાં NEET-UG ના પેપર લીકનો મામલો હજુ થાળે નથી પડ્યો ત્યારે ગુજરાતમાં પેપર લીકનો મામલો સામે આવતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.
20 જુલાઈએ જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના ત્રીજા વર્ષના શલ્ય તંત્ર-1ના પેપર લીકનો મામલો સામે આવ્યો હતો,જેનાથી ગુજરાતના ઉચ્ચ શૈક્ષણિક તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આશરે 2000 જેટલા ભાવિ આયુર્વેદિક ડોકટોરોએ આ પરીક્ષા આપી હતી.દાવો કરવામાં આવી રહ્યો છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ જ ખબર પડી હતી કે પરીક્ષા પૂર્વે જ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા મારફતે ફરતું થઈ ગયું હતું.વોટ્સએપમાં ફરતા થયેલા IMP પ્રશ્નોના બહાને 12 માંથી 11 પ્રશ્નો વાસ્તવિક પેપરમાં પૂછાયા હતા.
આ અંગે યુનિવર્સિટી અને શૈક્ષણિક તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું છે.વાઇસ ચાન્સેલરના કહેવા મુજબ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા 3 વરિષ્ઠ સભ્યોની તપાસ કમિટીની રચના કરી આ મામલે તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
