આમોદ તાલુકાના મછાસરા ગામમાં જળબંબાકારની સ્થિતિ
સતત વરસેલા વરસાદના કારણે ગામનું તળાવ ઓવરફ્લો
તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં
રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો
તાત્કાલિક પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની માંગ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતી વધુ ગંભીર બની છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં વરસેલા સતત વરસાદના કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. પરિણામે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, અને વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે.
મુખ્ય માર્ગ પર જ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે, જ્યારે અનેક શેરીઓ પાણીમાં ફેરવાઈ જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વરસાદ યથાવત રહેશે તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની પૂરી શક્યતા છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.
