ગુજરાત રાજ્યમાં SC, ST, SEBC, EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવવા તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યની વિવિધ શાળા-કોલેજ, યુનિવર્સિટીઓ તથા અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે. પરંતુ રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થતી રજૂઆતો મુજબ અનેક પાત્ર વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી શિષ્યવૃત્તિની રકમ સમયસર તેમના બેંક ખાતામાં જમા થતી નથી. આ પરિસ્થિતિને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફ્રી, હોસ્ટેલ કી, પુસ્તકો, રહેવા-જમવા તથા અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડે છે, અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પર આર્થિક ભારણ વધે છે, ત્યારે ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિની બાકી રહેલી રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.