ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણીમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો.કુલ 16 પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા હતા
ભરૂચના હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલનો ચૂંટણીમાં દબદબો જોવા મળ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.પંડવાઈ સુગરની ચૂંટણી માટે કુલ 33 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ માત્ર બે ઝોનમાં જ ચૂંટણી યોજાવાની સ્થિતિ સર્જાઈ છે. આ બંને ઝોનના સભ્યો માટે આગામી 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે.ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલની ઉમેદવારીનો હતો. જોકે, વલ્લભ પટેલની ઉમેદવારી અંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવેલી વાંધા અરજીનો જવાબ રજૂ ન કરી શકવાના કારણે વલ્લભ પટેલનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.હવે ઝોન નંબર 8 કદરામા તેમજ અનુસૂચિત જનજાતિ (ST) અનામત ઝોન માટે ચૂંટણી યોજાશે. બાકીના 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.પંડવાઈ સુગરની આ ચૂંટણીને લઈને શરૂઆતથી જ સહકારી ક્ષેત્રમાં ભારે રાજકીય રસાકસી જોવા મળી હતી. અગાઉ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલ દ્વારા તમામ 16 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે વિરોધી પેનલ દ્વારા મર્યાદિત બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.આ સાથે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થતાં પંડવાઈ સુગરમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો મોટો દબદબો સ્થાપિત થયો છે.
