માંજલપુર વિધાનસભા બેઠકની યોજાઈ હતી પેટાચૂંટણી
ઉત્તેજનાસભર માહોલમાં ચૂંટણીનું પરિણામ જાહેર
ભાજપે પોતાના ગઢમાં વિજય પતાકા લહેરાવી
ભાજપ ઉમેદવાર સતીષ પટેલની જંગી લીડથી જીત
કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારી પણ પ્રશાસન પર કર્યા આક્ષેપ
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું,જેમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખીને ભવ્ય વિજય મેળવ્યો હતો.
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતું,જેના કારણે ખાલી પડેલી આ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.જે ચૂંટણીનું પરિણામ ઉત્તેજનાસભર માહોલ વચ્ચે જાહેર કરવામાં આવ્યું હતું.આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 30,499 મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો હતો. સતીષ પટેલને કુલ 55,084 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા હતા.
જીત બાદ વિજયી ઉમેદવાર સતીષ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત ભાજપના પાયાના કાર્યકરો અને અગ્રણીઓની મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ ભવ્ય વિજયને સ્વ. યોગેશ પટેલને સમર્પિત કરે છે અને વિસ્તારના તમામ કાર્યકરો તથા મતદારોનો આભાર માને છે.
બીજી તરફ, પરાજિત કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ પરિણામનો સ્વીકાર કરવાની સાથે તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જનતાનો તેમને ઉત્સાહજનક પ્રતિસાદ મળતો હતો,પરંતુ ભાજપે તેમની પાછળ સમગ્ર પ્રશાસન લગાવી દીધું હતું. તેમણે કાર્યકરો પર હુમલા કરાવવાના અને મતદારોને પ્રલોભન આપવાના આક્ષેપો પણ કર્યા હતા.
