ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે સને ૨૦૨૧માં શ્રવણ ચોકડી પાસેથી ચોરી થયેલી એક્ટીવા મોપેડનો ભેદ ઉકેલી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની એક્ટીવા સહિત કુલ રૂ. ૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, ચાર વર્ષ અગાઉ ચોરી થયેલી કાળા રંગની નંબર પ્લેટ વગરની એક્ટીવા મોપેડ લઈને એક ઈસમ ભરૂચ સિટી સેન્ટરથી ધોળીકૂઈ બજાર તરફ આવવાનો છે.બાતમીના આધારે પોલીસે ધોળીકૂઈ બજાર તરફના રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની એક્ટીવા આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ઈસમ ગલ્લા-તલ્લા કરવા લાગતા પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, એક્ટીવા આરોપી તમીમ અહેમદ કોન્ટ્રાક્ટરે સને ૨૦૨૩માં સિતપોણ ગામના રફીક મહમદ ફોદીવાલા પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેના પિતરાઈ ભાઈ અબ્દુલકાદીર અબ્દુલરસીદ મુલ્લાને ચલાવવા માટે આપી હતી. પોલીસે બંનેને બોલાવી વધુ તપાસ કરતાં એક્ટીવા સને ૨૦૨૧માં ભરૂચની શ્રવણ ચોકડી પાસેથી ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે GJ-16-DD-4411 નંબરની એક્ટીવા મોપેડ, એક એપલ આઇફોન ૧૬ પ્રો મેક્સ અને બે વિવો એન્ડ્રોઇડ મોબાઇલ સહિત કુલ રૂ. ૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં અબ્દુલકાદીર અબ્દુલરસીદ મુલ્લા (ઉં.વ. ૨૮), તમીમ અહેમદ કોન્ટ્રાક્ટર (ઉં.વ. ૩૨) અને રફીક મહમદ ફોદીવાલા (ઉં.વ. ૫૨)ને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને અટક કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
