ભરૂચ જિલ્લા કાનૂની સેવા સતમંડળ દ્વારા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, GVT, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રનના સથવારે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન હેઠળ જિલ્લામાં 100 દિવસની ઝુંબેશ હાથ ધરાઈ છે.

ભરૂચ તાલુકાના કેલોદ ગામથી બાળ, નાની ઉંમરે અને બળજબરીથી થતા લગ્ન નાબૂદી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી સાથે DLSA સેક્રેટરી પી.પી. મોકાશીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કેલોદ મુનિ મહારાજ મંદિર ખાતે યોજાયેલા બાળ લગ્ન, વહેલા લગ્ન અને બળજબરીથી કરાતા લગ્ન નાબૂદી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મહિલાઓ, બાળાઓ અને ગ્રામજનોને બાળ લગ્ન કાનૂની અપરાધ હોવાની જાણકારી આપી તેની અન્ય વિપરીત અસરો વિશે સમજ અપાઈ હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મેહુલ તેરયા, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી રાજેશ દેસાઇ, CWC ચેરમેન પિનાકીન કંસારા, ગ્રામ વિકાસ ટ્રસ્ટના જનકસિંહ મોરી સહિતે બાળ લગ્ન અટકાવવા જાગૃતિ વિશે માહિતી આપી હતી.
ઉપસ્થિત સૌને મહાનુભાવો દ્વારા બાળ લગ્ન અટકાવવા અંગેના શપથ ગ્રહણ કરાવ્યા હતા.અભિયાન હેઠળ વિવિધ ગામોમાં ગ્રામજનોને નુકકડ નાટક, રેલી, સૂત્રોચ્ચાર તેમજ શાળાઓના બાળકોને બાળ લગ્ન એક કાયદાકીય અપરાધ હોવા અંગે જાગૃત કરાઈ રહ્યા છે.
