ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને તેમાંથી મળતી આવક સીધી જ આ ગરીબ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે.સંસ્થાના આચાર્ય મનિષાબેન ત્રિવેદી જણાવે છે કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી માનસિક દિવ્યાંગ બાળકો અહીં નિઃશુલ્ક નિવાસ સાથે અભ્યાસ કરે છે. બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ અને બોર્ડિંગ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

20 વર્ષથી વધુ ઉંમરના મનો દિવ્યાંગ યુવાનો માટે સંસ્થામાં વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે. અહીં અગરબત્તી, ફાઈલો, કોડિયા, રાખડીઓ, કાપડની બેગો સહિત વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે.

આ તાલીમ પૂર્ણ કર્યા બાદ સંસ્થાએ ચાર મનો દિવ્યાંગ યુવાનોને મદદનીશ પ્યુન, મદદનીશ રસોઈયા અને માળી જેવી જવાબદારીઓ સોંપી છે. તેમને દર મહિને સ્ટાઈપન્ડ પણ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વાભિમાન સાથે આત્મનિર્ભર જીવન જીવી શકે.