રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની આ મુખ્ય પરીક્ષામાં કુલ 50,069 ઉમેદવારો નોંધાયેલા છે. રાજ્યના કુલ 279 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

TAT-HSની આ પરીક્ષા 21 વિષયોના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવા માટે લેવામાં આવી રહી છે. પરીક્ષા સવારે અને બપોરે એમ બે શિફ્ટમાં યોજાશે.

પાંચ સ્થળોએ પરીક્ષાનું આયોજન

પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.

  • અમદાવાદ શહેરમાં 11,865 ઉમેદવારો માટે 64 કેન્દ્રો
  • સુરતમાં 11,299 ઉમેદવારો માટે 61 કેન્દ્રો
  • રાજકોટમાં 9,868 ઉમેદવારો માટે 57 કેન્દ્રો
  • અમદાવાદ ગ્રામ્યમાં 8,721 ઉમેદવારો માટે 52 કેન્દ્રો
  • વડોદરામાં 8,316 ઉમેદવારો માટે 45 કેન્દ્રો

આમ કુલ 50,069 ઉમેદવારો 279 કેન્દ્રો પર પરીક્ષા આપશે.

પારદર્શિતા જાળવવા ખાસ વ્યવસ્થા

પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સંચાલકો, સુપરવાઈઝરો, ઓબ્ઝર્વરો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે.

અગાઉ બે વખત પરીક્ષા મોકૂફ રહી હતી

મહત્વનું છે કે, ભારે વરસાદના કારણે અગાઉ બે વખત TAT-HSની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. હવે રાજ્યમાં વાતાવરણ સાનુકૂળ હોવાથી બોર્ડની SOP અનુસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.