સુરતમાં પૂર સંકટ સામે તંત્રની સતર્કતા

30-31 જુલાઈએ વરસી હતી આકાશી આફત

તંત્રની પૂર્વ-સજ્જતાથી મોટો અનર્થ ટળ્યો

NDRF, SDRF અને સેનાએ 6500થી વધુ લોકોને ઉગાર્યા

વરસાદી હોનારત સામે પૂર્વ-આયોજન વિજયી

સુરતમાં 30 અને 31 જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદે વિષમ પરિસ્થિતિ સર્જી હતી, પરંતુ પૂર્વ-આયોજન અને તંત્રની સતર્કતા સામે આ આફત પાછી પડી હતી. વહીવટી તંત્રે NDRF, SDRF અને ભારતીય સેનાના જવાનો સાથે મળીને 6500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્રની સમયસૂચકતા રંગ લાવી છે. હવામાન વિભાગના એલર્ટ બાદ ત્વરિત કાર્યવાહી કરીને અંબિકા નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી 4000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

કીમ નદી અને ખાડીઓ છલકાતા ઓલપાડ તેમજ માંગરોળના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક તંત્ર અને સુરક્ષાદળોએ મોરચો સંભાળીને વધુ 2500 લોકોને સુરક્ષિત ઉગારી લીધા હતા. રાહત કેમ્પોમાં આશરો લઇ રહેલા લોકો માટે ગરમ ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

પૂરના પાણી ઓસરતા જ સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. સચોટ આયોજન અને લોક સહયોગથી સુરત પૂરના મોટા ખતરામાંથી સુરક્ષિત રીતે બહાર આવી શક્યું છે.