પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તારાજી સર્જી છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, આ વિનાશક ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપના આંચકા એટલા ભયાનક હતા કે ડઝનબંધ ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા છે. ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે અને રાજધાની બોગોટા સુધી લોકોને પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થવું પડ્યું છે.

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અને કોલંબિયાની સ્થાનિક એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ ચોકો પ્રાંતના સાન જોસ ડેલ પાલ્મર (San Jose del Palmar) માં હતું. આ વિસ્તાર રાજધાની બોગોટાથી આશરે 400 કિલોમીટર (250 માઈલ) પશ્ચિમમાં આવેલો છે અને ત્યાં લગભગ 4,800 લોકોની વસ્તી છે. આ ભૂકંપ જમીનની અંદર 107 કિલોમીટર (66 માઈલ) ની ઊંડાઈએ આવ્યો હતો. આંચકા એટલા જોરદાર હતા કે પડોશી દેશ ઈક્વાડોરમાં પણ તેની અસર અનુભવાઈ હતી.

પેરેરા અને ક્વિબ્ડો શહેરની સ્થિતિ “ગંભીર”

આ કુદરતી હોનારતની સૌથી વધુ અસર પશ્ચિમી શહેર પેરેરા (Pereira) માં જોવા મળી છે. પેરેરાના મેયર મૌરિસિયો સાલાઝારે કારાકોલ રેડિયોને માહિતી આપતા જણાવ્યું હતું કે, માત્ર તેમના જ શહેરમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. તેમણે વર્તમાન પરિસ્થિતિને અત્યંત “ગંભીર” ગણાવી છે.

ચોકો પ્રાંતના ગવર્નર નુબિયા કોર્ડોબાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, 1,30,000 લોકોની વસ્તી ધરાવતા પ્રાંતની રાજધાની ક્વિબ્ડો (Quibdo) શહેરમાં પણ ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા ફૂટેજમાં પેરેરા, કાલી અને ક્વિબ્ડો શહેરોમાં મકાનો અને નાની ઈમારતો ધરાશાયી થતી સ્પષ્ટપણે જોઈ શકાય છે.