મુંબઈના કુર્લામાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કુર્લાના ચિરાગ નગર વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભૂસ્ખલનની ઘટના બની છે. આશંકા છે કે કાટમાળમાં 4થી 5 લોકો દટાયા હોઈ શકે છે. ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

આ ઘટના ગૌસિયા ચાલ, રાઠોડ મેડિકલ નજીક બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. બે લોકોનાં મોત થયા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મુંબઈમાં ગઈ રાતે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે કુર્લાની આ ચાલ પર પહાડનો એક ભાગ ધસી પડ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર, સવારે આશરે 3:48 વાગ્યે ભૂસ્ખલનની જાણકારી મળી હતી. દુર્ઘટનામાં 4થી 5 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ BMC ફાયર બ્રિગેડ, પોલીસ, વીજ વિતરણ કંપની, 108 એમ્બ્યુલન્સ અને BMC વોર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ હટાવવાની કામગીરી સતત ઝડપથી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.DCP ગણેશ શિંદેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વરસાદને કારણે ઘાટકોપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અશોકનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, બચાવ કામગીરી માટે તમામ જરૂરી ટીમો ઉપરાંત પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. BMC, NDRF અને અન્ય એજન્સીઓના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. આ ઘટના સવારે આશરે 3 વાગ્યે બની હતી અને લગભગ 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા છે.