ભરૂચના આમોદમાં વિકાસ કાર્ય

ઢાઢર નદી પર નિર્માણ પામ્યો બ્રિજ

રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ

પાણી ભરાવાની સમસ્યાનો અંત

સ્થાનિકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

ભરૂચના આમોદના કાંકરિયા ગામ નજીક ઢાઢર નદી પર રૂપિયા 4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થતા પાણી ભરાય જવાની સમસ્યાનો અંત આવ્યો છે.

ભરૂચના આમોદ તાલુકાના પુરષા, કાંકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ દર ચોમાસે ઢાઢર નદીના પાણી ભરાઈ જતાં બંધ થઈ જતો હતો, જેના કારણે ત્રણેય ગામોના લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી જતો અને દૈનિક અવરજવર તેમજ જીવનજરૂરી વસ્તુઓની ખરીદીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.ખાસ કરીને કાંકરિયા ગામ નજીક આવેલી આઈ.ટી.આઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ માર્ગ જીવનદોરી સમાન હતો. વરસાદી દિવસોમાં રસ્તો બંધ થઈ જતાં વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નહોતા, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર થતી હતી.  આ સમસ્યાને ગંભીરતાથી લઈ આમોદ–જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. તેના પરિણામે આશરે ₹4 કરોડના ખર્ચે આ માર્ગ પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી છતાં માર્ગ પર પાણી ભરાયા નહીં અને વાહનવ્યવહાર યથાવત રહ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજ માત્ર એક વિકાસકામ નહીં, પરંતુ હજારો ગ્રામજનો માટે સુરક્ષિત અને સરળ અવરજવરનું માધ્યમ બની રહ્યો છે. આ બદલ સ્થાનિકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો