દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
અંકલેશ્વર શહેરવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા
નગરપાલિકા કચેરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના હસ્તે ધ્વજવંદન
આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

80મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરે દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પણ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
આ પ્રસંગે પાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડિયાએ નગરજનોને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, દેશની રક્ષા, માન-સન્માન અને આઝાદી માટે પોતાના પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપનાર અસંખ્ય વીર શહીદોને આજે યાદ કરવાનો દિવસ છે. આ અવસરે અંકલેશ્વર વ્હોરા સમાજ બેન્ડ ગ્રુપ દ્વારા સુંદર સુરાવાલીઓ સાથે બેન્ડ પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સંદીપ પટેલ, ભાવેશ કાયસ્થ, નરેન્દ્ર પટેલ સહિતના પાલિકા સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
