તા. 15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાય

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું

પોલીસ પરેડ સહિત વિવિધ સાહસિક આકર્ષણો રજૂ કરાયા

અમરેલીવાસીઓ માટે પોલીસ પરેડ આકર્ષણનું કેન્દ્ર બની

તા. 15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આજરોજ તા. 15 ઓગસ્ટ સમગ્ર ભારત દેશમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના અમરેલીમાં પણ રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, પોલીસજવાનોની શિસ્તબદ્ધ પરેડ, ‘મારું અમરેલી’ થીમ પર બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, યોગ, બાઈક સ્ટંટ, ડોગ-શો અને માઉન્ટેડ અશ્વ-શો જેવા વિવિધ સાહસિક આકર્ષણો રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, શિસ્તબદ્ધ અને દિલધડક પોલીસ પરેડ અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમને આગળ ધપાવતા મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યુ હતું કે, 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે આપણા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાની ભૂમિમાં ઉજવવાની તક મળી છે. વધુમાં CMએ કહ્યું કે, ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કઈ અશક્ય નથી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.

આ પ્રસંગે મુખ્ય સમારોહમાં રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે.દાસ, અધિક અગ્ર સચિવ અંજુ શર્મા, DGP જી.એસ.મલિક, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.