શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ શિવમય બન્યું
સ્તંભેશ્વર,નીલકંઠેશ્વર અને શક્તિનાથ ધામે ભક્તોનું મહેરામણ ઉમટ્યું
શિવ મંદિરોમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મનો ત્રિવેણી સંગમ રચાયો
હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયનો નાદ ગુંજ્યો
શિવજીને જળાભિષેક,દુગ્ધાભિષેક,બિલિપત્ર અર્પણ કરીને ભક્તો ભાવુક બન્યા
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવધામ ભરૂચ અને આસપાસના પૌરાણિક શિવાલયોમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મનો ત્રિવેણી સંગમ રચાયો છે. શિવભક્તિના આ પવિત્ર પર્વે સમગ્ર પંથક ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
ભરૂચ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવભક્તિનો સાગર છલકાયો હતો.શિવને પ્રિય શ્રાવણ અને પ્રથમ સોમવારના સંગમના પાવન અવસરે સમુદ્રના જળ જેમના ચરણ પખાળે છે તેવા કાવી-કંબોઈ સ્થિત પૌરાણિક અને ચમત્કારિક સ્તંભેશ્વર મહાદેવ ધામે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું હતું. દિવસમાં બે વાર સમુદ્રમાં વિલીન થતા આ દિવ્ય શિવલિંગના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી.
આ સાથે જ, ભરૂચના ઝાડેશ્વર ખાતે પવિત્ર નર્મદાના સાનિધ્યમાં બિરાજમાન પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ તથા શહેરના હાર્દસમા શક્તિનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રાવણ સોમવારે પવિત્ર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરીને ભાવિકોએ શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
