ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે ડુબ્લીકેટ દારૂ કાંડમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે,ત્યારે આ ચકચારી ઘટના અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો.

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામેથી શરૂ થયેલો ડુપ્લીકેટ દારૂનો કાળો કારોબાર હવે એક મોટા લઠ્ઠાકાંડમાં ફેરવાઈ ગયો છે. ત્રણ દિવસ પહેલા યોજાયેલી એક પાર્ટી બાદ ઝેરી પ્રવાહી પીવાથી અત્યાર સુધીમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 39 લોકો હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કુલ 46 લોકો આ ઝેરી દારૂનો ભોગ બન્યા હોવાની સત્તાવાર પુષ્ટિ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં અરેરાટી સાથે ભારે ખળભળાટ મચાવી દીધો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે. તપાસ દરમિયાન SMC એ પણ સ્વીકાર્યું છે કે ભાવનગરમાં આ મોટો લઠ્ઠાકાંડ જ થયો છે. આ કેસમાં વરતેજ પોલીસ મથકમાં કુલ 21 બુટલેગરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ગૌતમ, સારસ, જતીન અને હાર્દિક સહિત 13 જેટલા આરોપીઓની SMC ની ટીમે અટકાયત કરી લીધી છે. તમામ સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશનની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે દારૂ બનાવવાની ફોર્મ્યુલા અને રો-મટીરીયલને લઈને. આ લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ અને નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ નામના શખ્સો ડુપ્લીકેટ દારૂ બનાવવાની કેમિકલ ફોર્મ્યુલા જાણતા હતા. આ ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું રો-મટીરીયલ દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણાથી મંગાવવામાં આવતું હતું. મુખ્ય સૂત્રધાર રઈસ ભૂતકાળમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સક્રિય રહ્યો હોવાથી SMC હવે તેની તપાસનો ધમધમાટ અન્ય જિલ્લાઓ સુધી લંબાવી રહી છે.

બીજી તરફ સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી પણ સામે આવી છે. ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ કડક વલણ અપનાવી વરતેજ પોલીસ મથકના એક બીટ જમાદાર અને ડી-સ્ટાફના 3 કર્મચારીઓ મળી કુલ 4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.SMC ની અલગ-અલગ ટીમો હાલ બહારના રાજ્યોમાં પણ દરોડા પાડી રહી છે ત્યારે આ કાળા કારોબારમાં વધુ કેટલાક મોટા માથાના નામ ખુલે તેવી પૂરી શક્યતા છે.