સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ નગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાના પવિત્ર ધામ સમાન શાળાના વર્ગખંડમાં રાત્રિના અંધારામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગત અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે શાળાની સુરક્ષા માટે તૈનાત સિક્યોરિટી ગાર્ડ જ આ દારૂ પાર્ટી કરી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ અવારનવાર બાળકોને શાળાના મેદાનમાં રમવા દેતો ન હતો. આ અદાવત રાખીને કેટલાક બાળકોએ છૂપી રીતે ગાર્ડની દારૂની મહેફિલનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસે મામલાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, શિક્ષણ સમિતિ દ્વારા ગંભીર લાપરવાહી દાખવનાર અને શાળાની ગરિમા લજવનાર સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
