સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુસર ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ સ્થિત પાંચદેવી મંદિરના સભાખંડમાં ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ પારાયણનું સુંદર આયોજન કરાયું હતું.

આજના આધુનિક ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે, અને સ્વભાવે ચિડચિડા અને ગુસ્સાવાળા બની રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચના ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા જુના તવરા ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના તવરા ગામ સ્થિત પાંચદેવી મંદિરના સભાખંડમાં વિવિધ નાટકો, કૃષ્ણ-અર્જુનના દ્રષ્ટાંતો અને વીડિયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદઉપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ અપાય હતી. આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા-પિતા અને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજન-અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલી આ બાળ સભામાં મોટી સંખ્યામાં જૂના તવરા ગામના બાળકો જોડાયા હતા.