ભરૂચના જંબુસર નજીકનો બનાવ
દરિયામાં બોટમાં યાંત્રિક ખામી સર્જાય હતી
સાત માછીમારોનો થયો હતો બચાવ
લાપતા માછીમારનો મળ્યો મૃતદેહ
પરિવારમાં આક્રંદ
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ દરિયાકિનારા નજીક બોટમાંથી લાપતા થયેલા સારોદ ગામના યુવાન અક્ષય કરશનભાઈ વાઘેલાનો ચાર દિવસની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
ભરૂચના જંબુસર નજીક દરિયામાં 4 દિવસ અગાઉ સારોદ, માલપુર, વેડચ સહિતના ગામોના કુલ આઠ માછીમારો યાંત્રિક બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા ગયા હતા. દરમિયાન દરિયાના ઊંડા પાણીમાં બોટમાં યાંત્રિક ખામી સર્જાતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા. માછીમારોએ સ્થાનિક લોકોનો સંપર્ક કરતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સાત માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. જોકે, સારોદ ગામના અક્ષય કરશનભાઈ વાઘેલા લાપતા બન્યા હતા.અક્ષયભાઈની શોધખોળ માટે છેલ્લા ચાર દિવસથી દરિયામાં તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે નેઝા અને ગંગવા ગામના દરિયાકિનારા નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.યુવાનનો મૃતદેહ મળતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અક્ષયભાઈ પોતાના પાછળ વિધવા માતા, સગર્ભા પત્ની અને ત્રણ બહેનોને વિલાપ કરતા મૂકી ગયા છે.ઘટનાની જાણ થતાં કાવી પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને કાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
