દેશમાં અત્યારે ચોમાસું એના પૂરા જોશમાં છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી વધુ એક ડરામણી કહી શકાય તેવી ચેતવણી સામે આવી છે. જો તમે કાલે એટલે કે 23 ઓગસ્ટના રોજ ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો, તો છત્રી અને રેઈનકોટ ખાસ સાથે રાખજો! હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 25 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને ભારે વાવાઝોડાની પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 70 થી 80 કિમી પ્રતિ કલાકની ભયંકર ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવા તોફાની પવનના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થવાની અને ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત અન્ય એલર્ટ નીચે મુજબ છે:

પહાડી વિસ્તારો: પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન (Landslide) થવાનું મોટું જોખમ હોવાથી એલર્ટ અપાયું છે.

દરિયાકાંઠાના વિસ્તારો: માછીમારોને દરિયાથી દૂર રહેવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવાયું છે. પૂર્વ ભારતના રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વીજળી પડવાની પણ ચેતવણી છે.

અન્ય સાવચેતી: ગાઢ જંગલવાળા વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવા સલાહ અપાઈ છે, તેમજ કેટલાક રાજ્યોમાં કરા પડવાની પણ આગાહી છે.

હાલમાં, પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સાથે જ, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશ પર પણ આવી જ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધશે.