ભરૂચમાં મોબાઈલ હેક કરીને બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ શહેર C’ ડિવિઝન પોલીસે તપાસના તાર મુંબઈ સુધી લંબાવી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સમગ્ર મામલાની વાત કરીએ તો, ફરિયાદીના મોબાઈલને હેક કરી બેંક ખાતામાંથી 2 દિવસમાં કુલ રૂ. 1.48 લાખ ‘PhonePe UPI’ મારફતે ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. તા. 5 માર્ચે રૂ. 50 હજાર અને તા. 6 માર્ચે રૂ. 98 હજારની રકમ ઉપાડી લેવાઈ હતી. જોકે, ફરિયાદ બાદ ભરૂચ C’ ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ઠગાઈની રકમની કડી મુંબઈ સુધી પહોંચતા પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. પોલીસે અગાઉ અવિનાશ રામઅવધ યાદવને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે સહઆરોપી હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાયનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ પોલીસની ટીમે મુંબઈમાં 3 દિવસ સુધી તપાસ કરી અને સ્થાનિક પોલીસની મદદથી મલાડ ઈસ્ટ વિસ્તારમાંથી હિમાંશુ ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ ટોળકી દ્વારા અન્ય કોઈ ઓનલાઈન ઠગાઈને અંજામ આપવામાં આવ્યો છે કે, કેમ અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ આગળ ધાપાવી છે.