સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરનારાઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. રવિવારના રજાના દિવસે પણ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે પોતાના દરોડા યથાવત રાખ્યા હતા.

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરનારાઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. જાણીતી ઓનલાઇન ડિલિવરી એપ બ્લીન્કીટના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ગોડાઉનમાં રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાં જીવાણુઓ અને ચારેય તરફ ભારે ગંદકી જોવા મળી હતી.

ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા સામાનમાં આ પ્રકારની બેદરકારી સામે આવતા જ આરોગ્ય વિભાગે તાત્કાલિક કડક કાર્યવાહી કરી હતી. ગોડાઉન સંચાલકોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી છે અને સ્થળ પર જ રૂપિયા 11 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ સંસ્થા કે વેપારીને બક્ષવામાં આવશે નહીં.