સુરતના જહાંગીરપુરા મોરા ભાગળ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કલર કામ કરી રહેલા 32 વર્ષીય યુવક નાઝીમ સૈયદનું 8માં માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું.

સુરતના જહાંગીરપુરા મોરા ભાગળ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કલર કામ કરી રહેલા 32 વર્ષીય યુવક નાઝીમ સૈયદનું 8માં માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. નાઝીમ છેલ્લા 10 વર્ષથી કલર કામનો વ્યવસાય કરતો હતો. ઘટનાના દિવસે તે બિલ્ડિંગની બાલકનીમાં કલર કામ કરી રહ્યો હતો, તે જ સમયે અચાનક સંતુલન ગુમાવતા તે સીધો આઠમા માળેથી નીચે પટકાયો હતો. કમનસીબે, કામ કરવાની જગ્યાએ સુરક્ષા માટેના કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો ઉપલબ્ધ ન હતા. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે નાઝીમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના બાદ સાથે કામ કરતા કર્મચારી તૌસિફે નાઝીમના પરિવારને ફોન કરીને આ કરૂણ દુર્ઘટનાની જાણ કરી હતી. નાઝીમ પોતાના પરિવારમાં પત્ની અને ત્રણ નાના બાળકો છે,જેમાં બે દીકરા અને એક દીકરી છે.આ ઘટનાને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સેફ્ટી વગર કામ કરાવતી કન્સ્ટ્રક્શન સાઈટ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.