ભરૂચના ખારવા પંચ વેજલપુર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાન અને ગુજરાત પોલીસમાં PSI મનીષ મિસ્ત્રી દ્વારા સમાજના ગરીબ બાળકોના અભ્યાસ અર્થે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ‘ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ-2026’ યોજાયો હતો.સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડૉ.દિવ્યેશ પરમાર,એડવોકેટ બાબુભાઈ મિસ્ત્રી, પીએસઆઇ ઈન્દ્રવદન મિસ્ત્રી,મનીષ મિસ્ત્રી સહિત પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12માં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના વિસ્તારોના ખારવા, હાંસોટી અને માછી સમાજના 70થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું પણ શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાન અને પી.એસ.આઈ. મનીષ મિસ્ત્રીએ વિશેષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વેજલપુર ખારવા સમાજના સૌથી ગરીબ ઘરના એક બાળકને આગામી શૈક્ષણિક સત્ર 2027થી પ્રી નર્સરીથી ધોરણ 12 સુધી એટલે કે 16 વર્ષ સુધી તેના અભ્યાસના તમામ પ્રકારના ખર્ચની ટ્રાન્સપોર્ટેશનથી લઈ સ્કૂલ ફી અને શૈક્ષણિક સામગ્રીની જવાબદારી તેઓ ઉઠાવશે.
