ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા

રીઢા તસ્કરની પોલીસે કરી ધરપકડ

મંદિરોમાં કરતો હતો ચોરી

ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો

સીસીટીવી ફૂટેજ પણ આવ્યા બહાર

ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપતા રીઢા તસ્કરની પોલીસે ધરપકડ કરી છેમઆ સાથે જ મંદિરમાં થયેલ ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર રીઢા આરોપીને ભરૂચ શહેર ‘A’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે સિદ્ધનાથનગરના અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા આઠથી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે. સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાં અજાણ્યો શખ્સ પ્રવેશ્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ નોંધાયા બાદ સર્વેલન્સ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ સાથે અગાઉ મંદિર ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી પણ એકત્ર કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે મંદિર ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રાકેશ બચુભાઈ મેડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના રોકડા રૂ.5,740 તથા મોબાઇલ સહિત કુલ રૂ.10,740નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ તેમજ રાત્રિના પોલીસ પોઇન્ટથી સારી રીતે વાકેફ હતો. તે કીમથી ટ્રેન મારફતે ભરૂચ આવતો અને રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને ટાર્ગેટ કરતો હતો. રેલવે પાટા પરથી ચાલીને મંદિર સુધી પહોંચ્યા બાદ દાનપેટીમાંથી રોકડ ચોરી કરતો અને દાનપેટીને મંદિરથી થોડે દૂર અવાવરૂ સ્થળે લઈ જઈ તોડતો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેણે અન્ય સ્થળોએ કરેલી ચોરી અંગે વધુ તપાસ શરૂ કરી છે.