વિનાશક પૂર બાદ નેપાળ માં પરિસ્થિતિ ગંભીર છે. મધ્ય નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુઆંક વધીને 675 થયો છે, જ્યારે 2,400 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે નેપાળમાં હવામાન વિભાગે ફરી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે આ સાથે પૂરનું પણ એલર્ટ જાહેર કર્યું છે. આ હવામાનની આગાહીએ ચિંતા વધારી છે કારણે હજુ પણ રાહત અને બચાવનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ કાર્યમાં ભારે વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. નેપાળના તમામ 8 જિલ્લામાં યુધ્ધના ધોરણે લાપતા લોકોનું સર્ચ ઓપરેશન થઇ રહ્યું છે.
પૂર પ્રભાવિત આઠ જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 675 મૃતદેહો મળી આવ્યા છે. બચાવ ટીમો યુદ્ધ જેવી કામગીરી કરી રહી છે.National Disaster Risk Reduction and Management Authorityનીટીમ સતત લોકોને બહાર કાઢી રહી છે અને ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
એ નોંધવું જોઈએ કે નેપાળ-તિબેટ સરહદ નજીક ગ્લેશિયર તૂટ્યા પછી, બરફ અને ખડકોનો કાટમાળ નીચે તરફ ધસી આવ્યો. મધ્ય નેપાળના ઘણા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં પાણી, કાદવ અને કાટમાળ વહેતો થયો. આ પ્રવાહે શહેરો અને ગામડાઓને તબાહ કરી દીધા, મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું અને અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સનું પણ ધોવાણ થઇ ગયું છે.
બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 2,500 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 163 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત વરસાદના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પડકારો ઉભા થઈ રહ્યા છે.
