ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જગતના તાત પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અલનીનોની અસરના કારણે વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા પાક પર ઈયળ અને જીવજંતુઓનો વ્યાપક ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં આ વખતે ચોમાસુ નબળું રહેતા ખેડૂતોની હાલાકી વધી છે. કપાસ, જુવાર, બાજરી, મગફળી તેમજ શાકભાજી જેવા મુખ્ય પાકોમાં મોટા પ્રમાણમાં જીવજંતુ અને ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. મોંઘા ખાતર અને બિયારણ વાવીને વાવણી કરનાર ખેડૂતો અત્યારે પોતાના જ ખેતરમાં પાકને નષ્ટ થતો જોઈ લાચાર બન્યા છે.

સ્થિતિ એટલી ગંભીર છે કે ભાવનગરના તળાજા, મહુવા, પાલીતાણા, જેસર, ગારીયાધાર, ઉમરાળા અને સિહોર સહિતના તમામ મુખ્ય તાલુકાઓમાં પાક નુકસાનીનું મોટું સંકટ ઊભું થયું છે. સિંચાઈના પાણીનો અભાવ અને ઉપરથી ઈયળોનો ત્રાસ! ખેડૂતો હવે સરકાર પાસે વળતર અથવા તો તાત્કાલિક મદદની ગુહાર લગાવી રહ્યા છે. જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય, તો ભાવનગરના ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડે તેમ છે.