સુરત શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે હવે ખુદ શહેરના જાગૃત નાગરિકો મેદાનમાં ઉતર્યા છે.’ક્લીન અપ સુરત’ ની ટીમ દ્વારા તાપી નદી અને શહેરના વિવિધ વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે સતત સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ નજીક તાપી નદીના કિનારે ‘ક્લીન અપ સુરત’ ની ટીમ દ્વારા ભવ્ય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમના સભ્યોએ તાપી કિનારે ભેગો થયેલો પ્લાસ્ટિક અને અન્ય કચરો દૂર કરીને વિસ્તારને એકદમ સાફ-સુથરો બનાવ્યો હતો. મહત્વનું છે કે, સુરત મહાનગરપાલિકાની જવાબદારી ગણાતી કામગીરી હવે શહેરના જાગૃત નાગરિકો પોતે ઉપાડી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ‘ક્લીન અપ સુરત’ની ટીમ પ્રતિદિન શહેરના અલગ-અલગ વિસ્તારો, ગાર્ડન અને તાપી કિનારે સફાઈ હાથ ધરે છે. આ ટીમે પોતાની 51મી જગ્યા પર સફાઈ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.