ભરૂચના સમસ્ત ભોઈ સમાજ દ્વારા સ્થાપિત મેઘરાજાની પ્રતિમા પાસે ભવ્ય અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં માત્ર ભરૂચ શહેરમાં ઉજવાતા અઢી સદી જૂના ઐતિહાસિક મેઘરાજા મહોત્સવમાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. ભરૂચના સમસ્ત ભોઈ સમાજ દ્વારા સ્થાપિત મેઘરાજાની પ્રતિમા પાસે ભવ્ય અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની માટીની વિશાળ પ્રતિમાની સ્થાપના કરીને પૂજન-અર્ચન કરવામાં આવે છે. આ મહોત્સવ અંતર્ગત સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમા સમક્ષ વિવિધ વાનગીઓ અને મિષ્ટાન ધરાવીને ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. આ શુભ પ્રસંગે ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સ્વામીના વરદ હસ્તે મેઘરાજાની મહાઆરતી સંપન્ન કરવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન સમગ્ર પરિસર ‘જય મેઘરાજા’ અને ભક્તિમય નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભોઈ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.
