ભરૂચ જિલ્લામાં સમયસર શિષ્યવૃત્તિ ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ વિકાસ કચેરીમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ તરફથી મળવાપાત્ર શિષ્યવૃત્તિ સમયસર ન મળતાં આદિવાસી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા ન થતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભરૂચ સ્થિત આદિજાતિ વિકાસ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને અંદાજે ૪થી ૫ મહિના વીતી ગયા હોવા છતાં પાછલા વર્ષની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી નથી. બીજી તરફ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો દ્વારા ફી ભરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે જાતે ફી ભરવી મુશ્કેલ બનતાં તેમના અભ્યાસ ઉપર પણ અસર થવાની ભીતિ ઊભી થઈ છે.વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ જુલાઈ મહિનામાં આદિજાતિ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ તેઓ ત્રણથી ચાર વખત કચેરીના ધક્કા ખાઈ ચૂક્યા છે, છતાં શિષ્યવૃત્તિની રકમ ખાતામાં જમા થઈ નથી.