સુરતમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ રોગચાળાએ 8 વર્ષીય શાળાની વિદ્યાર્થીની સહિત 3 લોકોનો ભોગ લીધો છે.
સુરતમાં ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળો અત્યંત બેકાબુ બની રહ્યો છે. દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગંભીર બાબત તો એ છે કે, આ રોગચાળાએ 8 વર્ષીય શાળાની વિદ્યાર્થીની સહિત 3 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં એકનું ડેન્ગ્યુના કારણે જ્યારે અન્ય એક દર્દીનું ટાઈફોઈડથી મોત નીપજ્યું છે.
રોગચાળાનો ગ્રાફ ઊંચો જતાં શહેરની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ઓપીડી વિભાગ બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બેડ ટૂંકા પડી રહ્યા છે અને ઇમરજન્સી વોર્ડમાં પણ સતત નવા દર્દીઓનો જમાવડો થઈ રહ્યો છે.
ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઈફોઈડના કેસોમાં અચાનક આવેલા ઉછાળાને પગલે લોકોમાં ભારે ભયનો માહોલ છે. એક તરફ નાના બાળકોથી લઈને મોટેરાઓ આ બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે, ત્યારે હોસ્પિટલ તંત્ર પર પણ ભારણ વધી ગયું છે.
ઘટનાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાબડતોબ દોડતું થયું છે. સંવેદનશીલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટુકડીઓ ઉતારી દેવામાં આવી છે. ઘરે-ઘરે સર્વે કામગીરી, પોરાનાશક દવાનો છંટકાવ અને ફોગિંગ તેજ કરી દેવાયું છે. તંત્ર દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવાની અપીલ કરવામાં આવી છે.
