સુરત શહેરના અત્યંત વ્યસ્ત એવા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટાની અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકીને સરેઆમ હત્યા કરી દીધી હતી.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના અત્યંત વ્યસ્ત એવા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટાની અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકીને સરેઆમ હત્યા કરી દીધી છે.

ઘટનાની વિગતો મુજબ, બિલ્ડર ફૈઝલ ફટ્ટા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે અચાનક આવેલા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી ફૈઝલ ફટ્ટાને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડરને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

હત્યાની આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને આસપાસના CCTV ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અંગત અદાવત છે કે અન્ય કોઈ પ્રોપર્ટી વિવાદ, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.