ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની શ્રી સરદારનગર પ્રાથમિક શાળા 1000 થી વધુ વૃક્ષો અને છોડ સાથે જીવંત ‘ગ્રીન લેબોરેટરી’ બની છે.પુસ્તકીય જ્ઞાન સાથે પ્રકૃતિના પાઠ ભણાવતી આ સરકારી શાળા સૌ માટે પ્રેરણારૂપ બની છે.
નિવૃત્ત શિક્ષક કમલેશ કોસામિયાના 22 વર્ષના અથાક પરિશ્રમથી આ શાળા આજે શિક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણનું પણ અનોખું કેન્દ્ર બની ગઈ છે. પુસ્તકીય જ્ઞાન સાથે પ્રકૃતિના પાઠ ભણાવતી આ સરકારી શાળા સૌ માટે પ્રેરણારૂપ છે.શાળા પરિસરમાં લહેરાતી હરિયાળીએ વાતાવરણને શુદ્ધ અને જીવંત બનાવી દીધું છે. વર્ગખંડની ચાર દીવાલોથી પર જઈને વિદ્યાર્થીઓ અહીં પ્રકૃતિના સાનિધ્યમાં વૃક્ષોની ઓળખ અને પર્યાવરણ જતનના પ્રત્યક્ષ પાઠ શીખી રહ્યા છે.
નિવૃત્ત શિક્ષકના ‘ઇકો-ફ્રેન્ડલી વિદ્યાલય’ના સંકલ્પને વર્તમાન શિક્ષકો પણ પૂરી નિષ્ઠાથી આગળ ધપાવી રહ્યા છે. બાળપણથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવીને તેમને જવાબદાર નાગરિક બનાવવાનો આ સ્તુત્ય પ્રયાસ છે.
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના આ પડકારજનક યુગમાં, સરદારનગર પ્રાથમિક શાળાએ શિક્ષણ અને પ્રકૃતિના ઉત્કૃષ્ટ સમન્વય થકી સમાજ સમક્ષ એક નવી દિશા ચીંધી છે.
