ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. 2 બેઠકો માટે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યુ હતું.
ભરૂચના હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ચૂંટણીને લઈ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.પંડવાઈ સુગરની કુલ 16 ઝોનની બેઠકો પૈકી માત્ર 2 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. બાકીની 14 બેઠકો પર રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વ હેઠળની સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. હવે બાકી રહેલી બે બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આશરે 7 હજાર જેટલા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે.દરમિયાન રાજ્યના જળ સંપત્તિ મંત્રી અને સહકાર પેનલના આગેવાન ઈશ્વરસિંહ પટેલે પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે સહકાર પેનલની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા બંને બેઠકો પર આશરે 95 ટકા મત સાથે ભવ્ય જીતનો દાવો કર્યો છે.ઉલ્લેખનીય છે કે, પંડવાઈ સુગરની આ ચૂંટણીને સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગરના વર્તમાન ચેરમેન છે અને તેમની આગેવાની હેઠળ સહકાર પેનલે 16માંથી 14 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો છે.હવે સૌની નજર બાકી રહેલી બે બેઠકોના પરિણામ પર છે.આવતીકાલે સવારે 9 વાગ્યાથી હાંસોટ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.
