ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા અને દહેજ પેટ્રોનેટ એલ.એન.જી. કંપનીમાં છેલ્લા 17 વર્ષથી પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિશાંતકુમાર ભગુભાઇ પટેલ સાઇબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાઇબર ઠગોએ તેમને શેરબજારમાં એઆઇ ટ્રેડિંગ દ્વારા દૈનિક 5% થી 20% ના મલ્ટિપલ પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી.

તબક્કાવાર કુલ ₹91.51 લાખની રકમ મેળવી લઇ ઠગાઇ આચરી છે.મુંબઈ જતા આવી કોઈ ઓફીસ જ નહીં હોવાનું માલુમ પડતા 1930 સાઇબર હેલ્પલાઇન પર ઓનલાઇન અરજી બાદ રૂ. 37.84 લાખ ફ્રિજ કરાવવામાં સાયબર પોલીસને સફળતા મળી હતી.

સાયબર ઠગાઈની બીજી ઘટના અંકલેશ્વર GIDC સ્થિત આર.ડી.એલ. સોસાયટીમાં રહેતા અને ઝઘડિયાની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલર તરીકે નોકરી કરતા યુવક હાર્દિક શેખડા સાથે બની હતી. કોઈ અજાણ્યા ઠગે તેમની જાણ બહાર PNB નું ઇન્ટરનેટ બેંકિંગ લોગિન કરી ખાતામાંથી કુલ 13.12 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. યુવકે પારિવારિક જરૂરિયાત માટે ગોલ્ડ લોન લીધી હતી. જેમાં ઠગે એકાઉન્ટ હેક કરી આ નાણાં જય માતાજી એન્ટરપ્રાઇઝ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બન્ને સાયબર ફ્રોડ અંગે ભરૂચ સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.