ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ૧.૨૫ લાખ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ૧,૨૫,૦૦૦ શ્રી દત્ત માલા મંત્ર અનુષ્ઠાનની પવિત્ર પૂર્ણાહુતિ ભક્તિભાવ અને વૈદિક પરંપરા સાથે કરવામાં આવી હતી. અનુષ્ઠાન દરમિયાન વૈદિક વિધિ-વિધાન મુજબ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ પવિત્ર અનુષ્ઠાનમાં ૧૫ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં ૬૦૦ કિલોથી વધુ ઘીની આહુતિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, દૈનિક રુદ્રાભિષેક તેમજ યજુર્વેદના પવિત્ર મંત્રોના પાઠ દ્વારા સમગ્ર અનુષ્ઠાનને વૈદિક માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

પુર્ણાહુતિ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્યો ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા શ્રી દત્ત ભગવાનના ચરણોમાં વિશ્વશાંતિ, સુખ, સમૃદ્ધિ અને સદભાવના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ કલ્યાણ સ્થાપિત થાય તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા નિર્દોષ આત્માઓની શાંતિ અને મોક્ષ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તજનો સનાતન ધર્મના માર્ગે ચાલે, સત્ય અને સદાચારને પોતાના જીવનમાં ઉતારે તેમજ આધ્યાત્મિક અને સર્વાંગી પ્રગતિ પ્રાપ્ત કરે તે માટે પણ શ્રી દત્ત ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.