સુરત પોલીસે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી મહારાષ્ટ્રના એક એવા રીઢા ચોરને ઝડપી પાડ્યો છે, જેના નામે એક-બે નહીં પરંતુ પૂરા 102 ગંભીર ગુના નોંધાયેલા છે.
સુરતની લિંબાયત પોલીસે ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પોર્ટલ અને ‘Face Match App’ની મદદથી મહારાષ્ટ્રના શાતિર ગુનેગાર નિલેશ અંકુશ કાલેને ઝડપી પાડ્યો છે. જ્યારે પોલીસે આરોપીની અટકાયત કરી ત્યારે તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટું નામ જણાવ્યું હતું. પરંતુ પોલીસે ફેસ મેચ એપમાં તેનો ફોટો અપલોડ કરતા જ મિનિટોમાં તેની સાચી ઓળખ અને કાળો ચિઠ્ઠો સામે આવી ગયો હતો.
આરોપી નિલેશ કાલે સામાન્ય ચોર નથી. તેના પર હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી જેવા 102 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની ચોરી કરવાની પદ્ધતિ પણ ખૂબ જ શાતિર હતી. તે દરરોજ 5 થી 7 કિલોમીટર ચાલીને સુમસામ ઘરોની રેકી કરતો, રાત્રિના સમયે ઘરના તાળા તોડી ચોરી અંજામ આપતો અને ત્યારબાદ જંગલ વિસ્તારમાં છુપાઈ જતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા છે.
નિલેશ કાલેની ધરપકડથી લિંબાયત અને ઉધના વિસ્તારની કુલ 5 જેટલી વણઉકેલાયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. હાલમાં લિંબાયત પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કેટલાક ગુનાઓ પરથી પડદો ઊંચકાઈ તેવી શક્યતા છે.
