અંકલેશ્વરમાં GIDCના રહેણાંક પ્લોટ પર GST વસૂલાતનો મુદ્દો ગરમાયો છે. જમીનની મૂળ કિંમત પર GST અંગે AIAએ GIDC સમક્ષ કાયદાકીય સ્પષ્ટતા માંગી છે. 60 દિવસની ચુકવણી મુદતને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોને હાલ ઉતાવળમાં ચુકવણી ન કરવા અપીલ કરાઈ છે.

GIDC દ્વારા તાજેતરમાં ફાળવવામાં આવેલા રહેણાંક પ્લોટના ઓફર-કમ -એલોટમેન્ટ લેટરમાં જમીનની મૂળ કિંમત ઉપર GST વસૂલવામાં આવતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન  દ્વારા આ મુદ્દે કાયદેસરની સ્પષ્ટતા મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીઝહોલ્ડ જમીનના આવા વ્યવહાર ઉપર GST લાગુ પડે છે કે કેમ તે અંગે AIA દ્વારા GIDC સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, આ મુદ્દે ઉદ્યોગકારોને કાયદાકીય જોગવાઈઓ અને સંભવિત કાર્યવાહી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ હાજરી આપી હતી.દરમિયાન, એઆઈએ દ્વારા GIDC સમક્ષ અગાઉ કરવામાં આવેલી અરજીની રેકન્સીડેરેશન અંગે હાલ રી -સ્કૂટીની પ્રક્રિયા ચાલી રહી હોવાનુ જણાવાયુ છે. AIAના હોદ્દેદારો GIDCના સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી આ મુદ્દે મંત્રણા કરી રહ્યા છે.ઓફર-કમ -એલોટમેન્ટ લેટર મુજબ ચુકવણી માટે ૬૦ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હોવાથી AIAએ તમામ સભ્ય ઉદ્યોગકારોને હાલ GST સહિતની ચુકવણી અંગે ઉતાવળમાં કોઈ વ્યક્તિગત નિર્ણય ન લેવા અપીલ કરી છે. જરૂરિયાત ઊભી થાય તો AIAના માર્ગદર્શન હેઠળ “અંડર પ્રોટેસ્ટ ” ચુકવણી અંગે સંગઠિત રીતે યોગ્ય આયોજન કરવામાં આવશે.

AIAપ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું છે કે GIDC તરફથી મળનારી સ્પષ્ટતા અને આગળની કાર્યવાહી અંગે તમામ સભ્યોને સમયાંતરે માહિતગાર કરવામાં આવશે. ઉદ્યોગકારોના હિતમાં આ મુદ્દે એસોસિએશન સતત પ્રયત્નશીલ રહેશે તેમ પણ જણાવાયુ છે.