ભરૂચમાં નાગદેવ મંદિર પાસે મારામારીનો મામલો સામે આવ્યો છે. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચની જૂની કોર્ટ નજીક આવેલા નવગ્રહ મંદિર પાસે વર્ષો જૂના નાગદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા નાની દેરીમાંથી ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી બે દિવસ બાદ ભંડારાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને મંદિર આસપાસ સાફ-સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.દરમિયાન સાફ કરવામાં આવેલા સ્થળે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કચરો નાખવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. આ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મંદિર પાસે દેખરેખ માટે બેઠેલા ભાવેશ વસાવા ઉપર કેટલાક શખ્સોએ આવી જાતિ વિરોધી ગાળો આપી મારામારી કરી હતી. આ દરમિયાન અન્ય ચારથી પાંચ લોકો પણ તેમની સાથે આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાને પગલે વિસ્તારમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે ભાવેશ વસાવાએ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
