ભરૂચ અને વાગરા ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં મેજર હેઝાર્ડ આઇડેન્ટિફાઇડ યુનિટ્સમાં ઇમરજન્સી સમયે સલામતીના નિયમોનું કડક પાલન થાય તે હેતુથી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

DIA ના ચેરમેન એમ. એન. મનાણી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર વી. એ. હળવદિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના ઉદ્યોગપતિઓ અને ફેક્ટરી પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરાઈ હતી. કોઈપણ ઔદ્યોગિક અકસ્માત કે ઇમરજન્સી સ્થિતિમાં આજુબાજુના કારખાનાઓ સાથે પરસ્પર સહયોગ કેળવવા પર ખાસ ભાર મૂકાયો હતો. ફેક્ટરીઓની આસપાસ આવેલા ગામોના લોકોને જોખમો અને સુરક્ષાના ઉપાયો અંગે જાગૃત કરવા વિશેષ અવેરનેસ પ્રોગ્રામ યોજવા સૂચના અપાઈ હતી.

આગામી દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન કારખાનાઓમાં પૂરતો તાંત્રિક તથા સેફ્ટી સ્ટાફ ઉપલબ્ધ રાખવા અને સિક્યુરિટી સ્ટાફને યોગ્ય તાલીમ આપવા જણાવાયું હતું. દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં તમામ MAH યુનિટ્સને પોતાના પ્લાન્ટમાં સેફ્ટી મોકડ્રિલ યોજવા તાકીદ કરાઈ હતી. આગામી દિવસોમાં સરકારી તંત્ર દ્વારા પણ વ્યાપક સ્તરે સંયુક્ત મોકડ્રિલ યોજવાનું આયોજન કરાયું છે.