ગણેશોત્સવને અનુલક્ષીને જિલ્લાના તમામ લાયઝન અધિકારી તેમજ આયોજકો સાથે કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે અધિક જિલ્લા કલેક્ટર આર.બી. ભોગાયતાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન તથા સલામતીપૂર્ણ વિસર્જન માટે લાયઝન અધિકારીશ્રીઓને રચનાત્મક માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
સાથોસાથ કેન્દ્ર / રાજય સરકાર સાથે હાઇકોર્ટ દ્વારા ગણેશજીની મૂર્તી અંગેની માર્ગદર્શિકા નિયમોનું પાલન કરાવવા ઉપર ભાર મૂકયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે સલામત અને પર્યાવરણપૂરક ઉત્સવ ઉજવાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
આ સાથે મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ સમય મર્યાદામાં આયોજનબધ્ધ થાય તે માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. પ ફુટ સુધીની જ ગણેશજીની મૂર્તિનું વિર્સજન પવિત્ર જળકૂંડમાં કરવામાં આવનાર છે.જ્યારે એ સિવાયની અન્ય તમામ મૂર્તિઓ ભાડભૂત ખાતે વિસર્જન માટે મોકલવા માટે અનુરોધ કર્યો હતો. ભરૂચ શહેરમાં બે સ્થળોએ અને અંકલેશ્વર શહેર તેમજ અન્ય તમામ નગરપાલિકાઓ ખાતે પવિત્ર કૃત્રિમ કુંડ બનાવામાં આવશે.
