ઓનલાઈન ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટમાં વધુ નફાની લાલચ આપી રૂ.45.22 લાખની છેતરપિંડીના ગુનામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ વોટ્સએપ નંબરોનો ઉપયોગ દેશ-વિદેશમાં સાયબર ઠગો દ્વારા છેતરપિંડી માટે કરવામાં આવતો હોવાની વિગતો પણ બહાર આવી છે.
પોલીસ તપાસ મુજબ, ફરિયાદીને “Profit Strategy Room 27” નામના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓનલાઈન ટ્રેડિંગ, સ્ટોક માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો કમાવવાની લાલચ આપી “MARK CM” એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
અલગ-અલગ બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા બાદ તા.4 માર્ચથી 4 એપ્રિલ 2026 દરમિયાન ફરિયાદી પાસેથી કુલ રૂ.45,22,000 પડાવવામાં આવ્યા હતા. નાણાં ઉપાડવા માટે વધુ રૂ.56,41,600 જમા કરાવવાની માંગણી કરવામાં આવતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે કરણ ભાષાણી, સર્વેશ ઉર્ફે ગણુ પાટીલ, સુબોધ શર્મા ઉર્ફે રાજુ અને આર્યનકુમાર ઉર્ફે લવ પંચાલને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન મળી કુલ આશરે રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તપાસમાં આરોપીઓ મોબાઇલ ડિવાઇઝમાં સીમકાર્ડ નાખી OTP મેળવી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરતા અને ત્યારબાદ આ નંબરો સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં કંબોડિયા, દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં બેઠેલા સાયબર ઠગો ભારતીય નાગરિકો સાથે વોટ્સએપ મારફતે સંપર્ક કરી છેતરપિંડી કરતા હોવાની માહિતી પણ મળી છે.આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ડમી સીમકાર્ડ નંબરોની નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા 44 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં રૂ.6 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થયાની માહિતી મળી છે.
